Whatsapp પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ – જાણો શા માટે કંપનીએ આ નિર્ણય કર્યો અને તમારા પર તેની શું અસર થશે.

વ્હોટ્સએપે પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવાની ડેટ હાલ પાછી ઠેલી, જાણો શા માટે કંપનીએ આ નિર્ણય કર્યો અને તમારા પર તેની શું અસર થશે

વ્હોટ્સએપે પોતાની વિવાદિત પ્રાઈવસી પોલિસીને એક્સેપ્ટ કરવાની ડેટ હાલ પાછી ઠેલી છે. કંપનીએ કહ્યું કે પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ ન કરવા પર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય. આ પહેલાં વ્હોટ્સએપે કહ્યું હતું કે નવી પ્રાઈવસી પોલિસીને 15મે સુધી એક્સેપ્ટ કરવી પડશે. જો યુઝર્સ આમ નહિ કરે તો વ્હોટ્સએપ અકાઉન્ટ ડિલીટ થઈ જશે અથવા યુઝર તમામ ફીચર્સનો ઉપયોગ નહિ કરી શકે. હવે કંપનીએ તેનો આ નિર્ણય ટાળીને કહ્યું કે યુઝર્સને આગામી સમયમાં આ અંગે માહિતી આપવામાં આવશે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
વિવાદ 4 જાન્યુઆરી, 2021થી શરૂ થયો હતો. જ્યારે વ્હોટ્સએપ ઓપન કરતાં સમયે યુઝર્સને ડિસ્પ્લે પર એક નવો મેસેજ મળ્યો. આ મેસેજમાં વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની માહિતી હતી તેમાં કહેવાયું હતું કે આ પોલિસીને 8 ફેબ્રુઆરી સુધી એક્સેપ્ટ કરવી પડશે નહિ તો વ્હોટ્સએપ અકાઉન્ટનો યુઝર ઉપયોગ નહિ કરી શકે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ વિરોધનાં વંટોળ શરૂ થયા. લોકો તેમની પ્રાઈવસી પર સંકટ માની સિગ્નલ, ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ પર સ્વિચ થવા લાગ્યા. વિવાદ વધતાં સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે વ્હોટ્સએપને નોટિસ આપી નવી પ્રાઈવસી પોલિસી પરત લેવા કહ્યું. વિરોધના વધતાં જતાં સૂરને જોઈ વ્હોટ્સએપે આ પોલિસીની ડેડલાઈન 8 ફેબ્રુઆરીથી 15મે સુધી કરી.

પ્રાઈવસી પોલિસી વિવાદાસ્પદ કેમ?
નવી પોલિસીમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે, તે યુઝરનો ડેટા ફેસબુક અને અન્ય કંપનીઓ સાથે શેર કરશે. પોલિસી એક્સેપ્ટ કર્યા બાદ યુઝર વ્હોટ્સએપ પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરશે તેને કંપની કોઈ પણ પ્લેટફોર્મ અને કોઈ પણ દેશમાં ઉપયોગ કરી શકે છે. આમ કરવા પાછળ વ્હોટ્સએપનો એવો તર્ક હતો કે તે યુઝરની સુરક્ષા અને સુવિધા વધારવા માટે કરવામાં આવશે, પરંતુ નિષ્ણાતોના મતે કંપની યુઝરના ડેટાને કમર્શિયલાઈઝ્ડ કરી રહી છે. આ ડેટોનો ઉપયોગ વ્હોટ્સએપ જાહેરાતો માટે કરશે અને પૈસા કમાશે. કંપની પાસે તમારી દરેક માહિતી હશે. તે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે.

આ મામલે લેટેસ્ટ અપડેટ શું છે?
15મેથી વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી લાગુ થવાની હતી જોકે હવે કંપનીએ તેને પાછી ઠેલી છે. જોકે તેનો મતલબ એ નથી કે આ પોલિસી જ ટાળવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસી પોલિસી સ્વીકાર કરવાની ડેડલાઈન રદ્દ કરી છે. આગામી સમયમાં કંપની આ વિશે અપડેટ આપશે. જોકે હાલ પણ વ્હોટ્સએપ યુઝરને નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા માટે પોપ અપ મેસેજ મોકલી રહી છે.

આ વિશે દિલ્હી હાઈકોર્ટમાં એક PIL થઈ હતી. તેની સુનાવણી 5મેએ થઈ. આ સુનાવણીમાં 2 જજોની બેન્ચે વ્હોટ્સએપ અને ફેસબુક સાથે કેન્દ્ર સરકાર પાસેથી પણ 13મે સુધી જવાબ માગ્યો છે.

આરોપ પર વ્હોટ્સએપે શું કહ્યું?
કંપની પર લાગેલા આરોપો અંગે તેણે કહ્યું કે, પોલિસી વ્હોટ્સએપ બિઝનેસ ઉપયોગ કરતાં લોકો માટે છે. તેનો પર્સનલ યુઝરના મેસેજ પર કોઈ અસર નહિ થાય. અર્થાત જે મેસેજ તમે તમારા પરિવાર અને ફ્રેન્ડ્સને કરો છો તે પહેલાંની જેમ જ સુરક્ષિત રહેશે. કંપનીએ ભરોસો આપ્યો કે પર્સનલ અકાઉન્ટથી થતી વાતચીત એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ રહેશે. અર્થાત સેન્ડર અને રિસીવર સિવાય વ્હોટ્સએપ પણ આ મેસેજ નહિ જોઈ શકે છે.

વ્હોટ્સએપે શા માટે આ નિર્ણય કર્યો?
કંપનીએ આ નિર્ણય માટેનું કારણ હજું સુધી જણાવ્યું નથી. વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. ફેબ્રુઆરી 2021માં IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતમાં એક્ટિવ વ્હોટ્સએપ યુઝર્સની સંખ્યા 53 કરોડ છે. જાન્યુઆરીમાં જ્યારે નવી પોલિસી ઈન્ડ્રોડ્યુસ થઈ હતી ત્યારે ઘણા લોકોએ વ્હોટ્સએપ છોડી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. ઈન્ટરનેટ કનેક્ટિવિટી સારી બનવાથી ભારતમાં નવા ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે. હાલ ઈન્ટરનેટ ડેટાના ઉપયોગમાં ભારત સૌથી આગળ છે. કંપનીએ આ જ કારણોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હોઈ શકે છે.

હાલ વ્હોટ્સએપ પાસે તમારી કઈ ઈન્ફોર્મેશન છે?
હાલ વ્હોટ્સએપ પાસે તમારો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ લિસ્ટ, ટ્રાન્જેક્શનની માહિતી (વ્હોટ્સએપ પેમેન્ટ યુઝર માટે જ), મોબાઈલના સોફ્ટવેર સંબંધિત માહિતી, મોબાઈલનું મોડેલ, IP એડ્રેસ,, લોકેશન, નેટવર્ક સહિતની માહિતી છે. વ્હોટ્સએપ આ માહિતી પેરેન્ટ કંપની ફેસબુક સાથે અન્ય કંપનીઓ સાથે શેર પણ કરે છે.

પેરેન્ટ કંપનીનો અર્થ શું?
સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ પણ કંપનીનો માલિકીનો હક જે કંપની પાસે હોય તેને પેરેન્ટ કંપની કહેવાય છે. 2014માં વ્હોટ્સએપને ફેસબુકે ખરીદી હતી. તે પ્રમાણે ફેસબુક વ્હોટ્સએપની પેરેન્ટ કંપની થઈ. ફેસબુકે ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરને પણ ખરીદી છે. અર્થાત તેની માલિકીનો હક ફેસબુક પાસે છે. જો વ્હોટ્સએપ તમારો ડેટા ફેસબુક સાથે શેર કરી રહી છે તો ફેસબુક આ ડેટાનો ઉપયોગ અન્ય કંપનીઓ સાથે શેર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.