જિલ્લાના ૭૧,૨૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને રસીનું રક્ષાકવચ
જિલ્લા વહિવટી તંત્રની મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત ૪૩,૦૦૦ જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોના રસીકરણના લક્ષ્યને પરિપૂર્ણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત ૪૨,૯૬૪ જેટલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. એટલે કે જિલ્લાના ૫૦ ટકાથી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ તા.૨૦ માર્ચથી ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પુરૂં પાડવા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના ૭૧,૨૧૬ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
વિવિધ વિભાગો સહયોગથી આરોગ્ય વિભાગના કર્મયોગીઓએ તા.૨૫ માર્ચથી તા.૨૮ માર્ચ સુધીમાં ચાર દિવસમાં ૧૫,૮૨૪ લોકોને રસી આપવામાં આવી. જ્યારે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત ૪૨,૯૬૪ નાગરિકોએ રસી લઈ કોરોના વાયરસને નાબૂદ કરવા કટીબદ્ધતા દર્શાવી છે.
પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધી વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓથી લઈ ગ્રામ્ય કક્ષાના કર્મચારીશ્રીઓએ જનમાનસમાં રહેલી રસી અંગે ફેલાયેલી ભ્રામક માન્યતાઓ અને અફવાઓનું ખંડન કરી રસીની સલામતીનો વિશ્વાસ અપાવી રહ્યા છે. જેના પરિણામે વધુને વધુ નાગરિકો કોરોના પ્રતિરોધક રસી લેવા માટે પ્રેરાઈ રહ્યા છે.