ચૂંટણી ડ્યૂટી કરનાર 2,000 કર્મચારીઓના સંક્રમણથી મોત
ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે પંચાયત ચૂંટણી સરકારી કર્મચારીઓ માટે જીવનું જોખમ બની છે. ઘણાં પરિવારોનો સહારો છીનવાઈ ગયો છે. કોઈ બાળક પાસેથી માતાની મમતા છીનવાઈ ગઈ છે, તો કોઈએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ ચૂંટણીમાં સંક્રમિત થયેલા 2,000થી વધારે સરકારી કર્મચારીઓના મોત થયા છે.
આંકડા જોઈએ તો 706 શિક્ષકોના મોત તો મતગણતરી પહેલાં જ થઈ ગયા હતા. મતગણતરી પછી શિક્ષકોના મોતનો આંકડો 1000ને ક્રોસ થવાની શક્યતા છે. આ વિશે ઉત્તર પ્રદેશના પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિનેશ ચંદ્ર શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મૃતકો વિશે જાણ કરી હતી. તેમણે અંદાજે 10 પેજના લેટર સાથે 706 શિક્ષકોની યાદી પણ મોકલી હતી. તેમાં જિલ્લા દીઠ મોત અને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા એક સપ્તાહમાં મૃતકોની સંખ્યામાં ઘણો વધારો થઈ ગયો છે. હવે રાજ્યના દરેક સંગઠન આવા કર્મચારીઓના પરિવારોને રૂ. 50 લાખ વળતર પેટે આપવાની માંગણી કરી રહ્યા છે.
કોરોના સંક્રમણમાં સરકારી કર્મચારીઓના મોત થવાના કારણે અન્ય કર્મચારીઓમાં પણ ડર ફેલાયેલો છે. સચિવાલયના ઘણાં કર્મચારીઓએ ઓફિસ આવવાનું બંધ કરી દીધું છે. નગર નિગમના પણ ઘણાં કર્મચારીઓ ઓફિસ નથી આવતા.