પાટણ જિલ્લામાં જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમ, સત્કાર સમારંભ કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ


એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ


ગુજરાતમાં પ્રસરી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નામદાર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરીને સરકારશ્રીને અસરકારક પગલાં લેવા સૂચન કર્યું હતું. જે સંદર્ભે રાજ્ય સરકારે નામદાર હાઈકોર્ટના આદેશનું પાલન કરીને કોરોના અટકાયત માટે પુખ્ત વિચારણાના અંતે જરૂરી સૂચનાઓ આપી પ્રતિબંધો અમલમાં મૂક્યા છે.

ગુજરાત સરકારશ્રીના પ્રતિબંધોનું પાટણ જિલ્લામાં અસરકારક અમલ કરવું જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકાર અન્વયે જાહેરનામું બહાર પાડી હુકમો કર્યા છે. જે અંતર્ગત તા.૧૪ એપ્રિલથી અમલમાં આવે એ રીતે પાટણ જિલ્લામાં લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં પચાસથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહિ. જે જગ્યાએ રાત્રિ કરફ્યુ અમલમાં છે ત્યાં કરફ્યુના સમયની અવધિ દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ કે ઉત્તરક્રિયામાં પચાસથી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટંબ સાથે ઉજવવાના રહેશે.

પાટણ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામા મુજબ જિલ્લાની સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિસ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ. પાટણ જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦ એપ્રિલ,૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા-વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો-પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવા માટે વિનંતી કરવામાં આવે છે.

આ જાહેરનામાનો અમલ પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૩ થી ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી બને દિવસો દરમિયાન કરવાનો રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ધ એપેડિમિક ડિસિઝ એક્ટ,૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસિઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦, ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે જરૂરી પગલાં લેવા લેખિત ફરિયાદ નોંધાવવા માટે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.