જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મણુંદ અને બાલીસણા ગામમાં કોરોના દર્દીઓની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી.

પાટણ જિલ્લામાં જે ગામોમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું એવા ગામોની ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લઈને ગ્રામજનોને સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને કોરોનામુક્ત થવા આહવાન કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે પાટણ તાલુકાના મણુંદ અને બાલીસણા ગામની મુલાકાત લઇને અધિકારીઓ, સ્વૈચ્છિક સંગઠનના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી ગામમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીડી.કે.પારેખે ગામમાં કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત લઇ ખબર-અંતર પુછી સંપૂર્ણ આઇસોલેશનનું પાલન કરવા સુચન કર્યું હતું. જો વધારે પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સામે આવે તો ગામમાં જ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા માટે જણાવ્યું હતું. જેથી, અન્ય પરિવારજનો સંક્રમિત ન થાય અને પરિવારના ઉંમર લાયક લોકો, સગર્ભા બહેનો તથા અન્ય લોકોને કોરોના થવાનું જોખમ ઘણું ઘટી જાય. જિલ્લા વિકાસ અધિકારેશ્રી એ કોવિડ કેર સેંટરની મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકારના ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ સૂત્રને સાર્થક કરવા માટે ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કોરોના સામે લડવા માટે એક સમિતિ બનાવી કાર્ય કરે ને થોડાક દિવસો સુધી સ્વયંશિસ્તનું પાલન કરે તો ગામ ઝડપથી કોરોના મુક્ત થઈ જાય એ બાબત પર જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ભાર મુક્યો હતો. ગામમાં થઈ રહેલ ડોર ટુ ડોર સર્વેલંસની કામગીરીને પણ તેઓએ સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મુલાકાત દરમિયાન પાટણ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એમ.પ્રજાપતિ, મેડીકલ ઓફિસરશ્રી હાર્દિક પટેલ, ગામના સરપંચશ્રી, સભ્યો તથા સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.