ગુજરાતમાં મ્યુકોર્માઇકોસિસના કેસ વધતા રૂપાણી સરકારે લીધા મોટા નિર્ણય, જાહેર કરી ગાઈડલાઈન

ગુજરાતમાં કોરોના દર્દીઓમાં મ્યુકોર્માઇકોસિસનો રોગ પણ વધતો જાય છે. જેને લઈ મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં મ્યુકોર્માઇકોસિસના વધી રહેલા કેસ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં CM રૂપાણીએ આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સારવારની વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં વધતા મ્યુકોર્માઇકોસિસ રોગના નિયંત્રણ માટે કેટલાક મહત્વના નિર્ણયો

 • રોગ વધુ ફેલાતો અટકાવવા અને રોગની અસર થઈ છે તેમની તુરંત સારવાર આપવાની વ્યવસ્થાઓ કરવા આરોગ્ય વિભાગને સૂચના
 • તમામ સિવિલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય
 • રાજ્ય સરકાર દ્વારા મ્યુકોર્માઇકોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B-50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર  આપી દેવાયો
 • સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માઇકોસિસના આવા 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે. 
 • અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં મ્યુકોર્માઇકોસિસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે વોર્ડ શરૂ કરાયા 
 • રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર  શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી

શું છે આ મ્યુકોર્માઇકોસિસ રોગ

જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. 

મ્યુકોર્માઇકોસિસ રોગના લક્ષણો 

 • એક બાજુનો ચહેરો સોજી જવો
 • માથાનો દુઃખાવો
 • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
 • મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
 • આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી
 • તાવ, કફ, છાતીમાં દુઃખાવો
 • શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો 
 • ઉબકા આવવા કે ઉલટી થવી 
 • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે

કેવી રીતે આ રોગથી બચી શકાય છે?

 • મ્યુકોર્માઇકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું 
 • વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
 • ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *