ખાસ ફરજ પરના અધિકારી સુશ્રી મમતા વર્માએ બેઠક યોજી પાટણ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણની અટકાયત માટે સૂચનાઓ આપી

મમતા વર્માએ પરિસ્થિતિને ત્વરિત કાબૂમાં લેવા માટે આપ્યા દિશા-નિર્દેશ


ગુજરાત રાજ્ય અને પાટણ જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે અને તેઓ જલદીથી સાજા થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યાં સિનીયર આઈ.એ.એસ અધિકારીઓને ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂક કરી છે. જેઓ જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને વહીવટીતંત્રને અસરકારક પગલાં લેવા માટે માર્ગદર્શન આપે છે. પાટણ જિલ્લાના ખાસ ફરજ પરના અધિકારી અને પ્રવાસન અગ્રસચિવ સુશ્રી મમતા વર્માએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

સુશ્રી મમતા વર્માની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં પાટણ જિલ્લામાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણ અને તે સંદર્ભે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે સુશ્રી મમતા વર્માને પાટણ શહેર અને જિલ્લામાં થઈ રહેલ કોરોના અટકાયતની સઘન કામગીરી અંગે વાકેફ કર્યા હતા. શ્રીમતી મમતા વર્માએ ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટીંગની સાથે લોકો હોમ આઈસોલેશનની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરે તથા કોરોના પોઝીટીવ દર્દીઓને ટેસ્ટીંગ સાથે જ દવાઓ મળી રહે એ માટે સૂચનો કર્યા હતા. એ સાથે તેઓએ શરૂઆતી લક્ષણો ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીઓનો પરિવાર તેમનાથી સંક્રમિત ન થાય એ માટે કોવિડ કેર સેન્ટરની સુવિધાનો લાભ લેવા પણ સૂચન કર્યું હતું.

સુશ્રી મમતા વર્માએ જિલ્લાની હોસ્પિટલમાં હાલમાં દાખલ દર્દીઓ તેમને મળતી સારવાર, ઓક્સિજન સપ્લાય, રેમડેસિવીર ઈન્જેકશન, અન્ય દવાઓ તથા ડોર–ટુ–ડોર સર્વેલન્સની કામગીરીની સમીક્ષા કરી હતી. તેઓએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સેવાઓ શરૂ રહે એ સિવાય બિનજરૂરી અવર–જવર ન થાય એ બાબતનું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, ડીઆરડીએ નિયામકશ્રી ભરત જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.અરવિંદ પરમાર, ધારપુર મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મનીષ રામાવત, ધારપુર હોસ્પિટલના રેસિડેન્શિયલ મેડીકલ ઓફિસર ડૉ.હિતેશ ગોસાઈ તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.