પાટણમાં ૭ એપ્રિલથી સાંજે ૫ વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર – ધંધા બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું પ્રમાણ વધતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકો સ્વયંભૂ કોરોના સામેની લડાઈમાં સ્વયં શિસ્તનું પાલન કરીને આ મહામારી સામે લડે એ માટે અપીલ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને કોરોના સંક્રમણના અટકાયત માટે વિવિધ વેપારી એસોશિયેસનના હોદ્દેદારો, રાજકીય સંગઠનોના હોદ્દેદારો, પાટણ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંધ ગુલાટીએ બેઠકમાં પાટણ જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણ અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓ અને પ્રયાસોની વિગતો આપીને સતત વધતા કોરોના સામે શું પગલાં લેવા જોઈએ એ માટે ઉપસ્થિત સૌના સલાહ – સૂચનો માંગ્યા હતા. ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને મહાનુભાવો તરફથી અત્યારના સમયમાં વધતા કોરોનાના કેસ સામે વેપારીઓ સ્વૈચ્છિક રીતે સાંજના સમય બાદ પોતાના ધંધા – રોજગાર બંધ રાખે એવું સર્વસામાન્ય સૂચન મળ્યું હતું. જેમાં બેઠકને અંતે સર્વાનુમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તા. ૭ એપ્રિલથી સાંજના પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે પાટણના તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના તમામ વેપાર – ધંધા બંધ રાખશે અને રવિવારના દિવસે સંપૂર્ણ બજારો બંધ રહેશે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવશે. જેના લીધે બજારોમાં એકઠી થતી ભીડના લીધે વધતાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પાટણના તમામ નાગરિકોને સાંજે ૫ વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશ અને રાજ્યમાં વધી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લા વેપારી એસોશિયેશન દ્વારા સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. જેના લીધે કોરોના સંક્રમણને કાબૂમાં લઈ પરિસ્થિતી વધુ ગંભીર બને એ પહેલાં તેને નિયંત્રણમાં લઈ શકાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટભાઈ પટેલ,અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, સંગઠનના પૂર્વ પ્રદેશમહામંત્રીશ્રી કે.સી.પટેલ, પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પાંચાભાઈ માળી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર તથા શંકરજી ઠાકોર, રાજકીય સંગઠનના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિદ્વપુર ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો તા.૧૭ મે સુધી બંધ રહેશે

સિધ્ધપુર શહેરમાં ખળી ચાર રસ્તા પર ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવેલ એલ.સી. ૧૯૧ કિ.મી. ૬૮૫/૨-૩ ઉપર ઓવરબ્રિજ બાંધવાનું કામ શરૂ છે. આ કામગીરી દરમિયાન રસ્તા ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી હોઈ અગાઉ જાહેરનામું પ્રસિદ્વ કરીને વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ખળી ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું કામ હજુ ચાલુ હોઈને આ બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર સલામતી માટે ટ્રાફિકની અવર-જવરમાં મુશ્કેલી ન પડે એ હેતુસર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી સિદ્વપુર ડૉ. એસ.એમ.ગાંગુલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ – ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો વાહનવ્યવહાર માટે તા. ૧૭ મે, ૨૦૨૧ રાત્રિના ૨૪ કલાક સુધી બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.

ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો બંધ થતા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા તરીકે ખળી ચાર રસ્તાથી – બિંદુ સરોવર બસ સ્ટેશન – અશોક સિનેમા – એમ.પી.હાઈસ્કુલ – આઈસ ફેક્ટરી – સરસ્વતી નદીનો બેઠો પુલ – બિલીયા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનવ્યવહાર યોગ્ય રીતે જળવાય એ માટે એમ.પી.હાઈસ્કુલથી આઈસ ફેકટરીવાળો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, માત્ર ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે ખળી ચાર રસ્તા – બિંદુ સરોવર બસ સ્ટેશન – અશોક સિનેમા – લાલેશ્વર મહાદેવ – સહસ્ત્રકળા મંદિર – લાલપુર – બિલીયાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંધન કરનાર શખ્સ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ – ૧૮૮ અન્વયે શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published.