‘કોરોના હારશે અને ગુજરાત જીતશે’ના મક્કમ નિર્ધારને સિદ્ધ કરવા તમામ નાગરિકોએ રસી લેવી જોઈએ.

જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે પાટણ તાલુકા આરોગ્ય કચેરી ખાતે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈ આપ્યો રસીકરણનો સંદેશ

કોરોના વાયરસ સામેની લડાઈમાં રાજ્યના તમામ નાગરિકો તબક્કાવાર રસીકરણ દ્વારા સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસીકરણને ઝુંબેશરૂપે ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા.૦૧ એપ્રિલથી રાજ્યના ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના નાગરિકોને રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાટણ તાલુકા આરોગ્ય કચેરી ખાતે જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે રસીનો પ્રથમ ડોઝ લઈ તમામ નાગરિકોને રસીકરણ માટે અપીલ કરી હતી.

જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રીશ્રીની આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરતી વિશ્વમાં પ્રથમ એવી સ્વદેશી રસી ઉપલબ્ધ બની.

‘કોરોના હારશે અને ગુજરાત જીતશે’નો વિશ્વાસ વ્યક્ત કરતાં શ્રી રાજપૂતે જણાવ્યું કે, તા.૦૧ એપ્રિલથી શરૂ થયેલા ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના નાગરિકોને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે મેં પણ રસીનો પહેલો ડોઝ લીધો છે. રસીની કોઈ આડઅસર નથી, માટે તમામ નાગરિકોએ રસી લઈ પોતાની સાથે પોતાના પરિવાર અને સમાજને પણ સુરક્ષિત કરી, કોરોના સામેનો જંગ જીતવાનો છે.

રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ બાદ તબક્કાવાર અન્ય નાગરિકોને રસીકરણ માટે કરવામાં આવેલા સુચારૂ આયોજન અને નિઃશુલ્ક રસીકરણ સહિતની બાબતો અંગે વાત કરી જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે તમામ નાગરિકોને સત્વરે કોરોના પ્રતિરોધક રસી લેવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.