ગુજરાત ભાજપની મહિલા કાર્યકરે BJP સાંસદને ફોન કરીને કહ્યું, ‘એવો સમય આવી ગયો છે કે લોકો આપણને દોડાવી દોડાવીને મારશે’

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના લોકોએ સારવાર લેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને પડી રહ્યો છે. એવામાં સામાન્ય લોકો તો કોઈને કોઈ માધ્યમથી પોતાનો રોષ નેતાઓ સામે ઠાલવી રહ્યા છે. એવામાં ભાજપના સાંસદ પર રોષ ઠાલવતી ભાજપના મહિલા કાર્યકરની એક ઓડિયો ક્લિપે પણ હાલ ચર્ચા જગાવી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની એક મહિલા કાર્યકર પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાભી પર રોષ ઠાલવતી કથિત ઓડિયો ક્લિપ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેંદ્ર બની છે.

પાટણના સાંસદ અને મહિલા કાર્યકર વચ્ચે ચાલેલી અંદાજે પાંચ મિનિટની ઓડિયો ક્લિપમાં સાંસદ અને મહિલા કાર્યકર વચ્ચે થયેલી વાતચીતના અંશો પર નજર કરીએ તો,

મહિલા કાર્યકર : નમસ્કાર ડાભી સાહેબ

સાંસદ : નમસ્કાર

કાર્યકર : હું સાંતલપુરથી મહિલા કાર્યકર બોલું છું. સાહેબ તમે એક કાર્યકરને બે ત્રણ દિવસ પહેલા એવો જવાબ આપેલ કે હું શુ કરું? મારાથી શું થાય? લોકોની આવી હાલત, આ સાંભળી કાર્યકર તરીકે મને ખુબ દુઃખ થયું. અમને કાર્યકરોને આવો જવાબ આપતા હોવ તો અમે કાર્યકરોએ મજૂરી કરી કરી તમને લોકોને ચૂંટણીમાં મોટા કર્યા. કાર્યકરો સાથે આપ આવી વાત કરો, ખરેખર કાર્યકર તરીકે અમને પાર્ટી પરથી ભરોસો ઉઠી જાય છે.આપ એમ કહો છો કે, મોદી સાહેબના વડનગરમાં ઓક્સિજન નથી અને માણસો મરી રહ્યા છે? તો શું આ સારું લાગે છે?, હેલો

સાંસદ : બોલી લો

કાર્યકર : શું બોલું નાસીપાસ થઇ ગયા છીએ તમારાથી, આપણી પ્રજાએ આપણને ખોબલે ખોબલે મત આપ્યા. આજે પ્રજાની વચ્ચે આવી શકતા નથી, આપ નિવેદન આપી શકતા નથી. કાર્યકરોનો મરો થઇ ગયો છે. વસ્તી હવે મારે એ હાલત છે. આપને તો નેતા બની એસી માં બેસી રહેવાનું. હું ચોખ્ખી વાત કરૂ છું. સાહેબ વસ્તીનો માર ખાવાનો નાના માણસોને. આપ કઈ રીતે બેજવાબદાર વાતો કરો છો ફોન પર, આવું ન કહી શકો. મારાથી શુ થાય?, હું શુ કરી શકું?, અરે તો ના કરી શકો તો સાહેબ આપને MP જ નહોતુ થવું ને? બીજા કોઈકનો નંબર લાગત.

સાંસદઃ સારુ સારુ ચાલો

કાર્યકરઃ ચાલો ચાલો નહીં સાહેબ આ તો હું મોદી સાહેબ સુધી વાત પહોંચાડીશ, કે આપના વડનગરમાં લોકો ટપોટપ મરે છે અને કોઈ સાંભળતું નથી વડનગર હોસ્પિટલમાં, આવું આપણા સાંસદનું કહેવું છે.

સાંસદ : એ તો ખબર પડે છે સાહેબ ને

કાર્યકર : એવો સમય આવી ગયો છે કે લોકો આપણને દોડાવી દોડાવીને મારશે. લોકો સ્વજનો ગુમાવી જાય લોકોને જવાબ ન આપી શકીએ આપણે બધાને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ હાલત પેદા થયો છે. આક્રોશ છે મારો કાર્યકર તરીકે, 26 સંસદ સભ્યોથી કામ ના થતા હોય તો રાજીનામા આપીને ઘરે જતા રહો, તમે ગુજરાતને આવી રીતે મરતુ ના મુકો, હલ્લો, કેટલા ગુજરાતીને હજી મારવાના છે.? ગુજરાતને આ રીતે મરતું મત મુકો.

સાંસદઃ કોણ મારે છે?

કાર્યકરઃ હું ભાજપની કાર્યકર બહેન બોલું છું સાંતલપુરથી
કાર્યકર તમે સત્તા લઈને બેઠા છો તમારાથી કંઈ નથી થતું તમે એસીમાં બેસી રહો છો અમે કાર્યકર શું કરી શકીએ અમારા પાસે શું સત્તા છે. અમને વસ્તી મારવા આવે છે. અમે મદદ કરવા જઈએ તો કોઈને માનવામા નથી આવતું કે આ મદદ કરવા આવ્યા છે.

તમારા પાપે સાહેબ અમે ક્યાંય નીકળી શકતા નથી.લોકો અમને મારવા આવે છે. અમને બચાવવા માટે તો તમારે બહાર આવવું જોઈએ, કારણ કે અમારા લીધે તમે ચૂંટાયા છો, એટલું ધ્યાન રાખજો, ભૂલી ન જતા અને હવે ચૂંટણીઓ આવવાની છે રઘુ દેસાઈ આપણા વિસ્તારમાં આવું કામ કરે તો તમને ના ગમે, એક સામાન્ય વિરોધપક્ષનો ધારાસભ્ય કામ કરી શકે તો તમે તો દિલ્લી સુધી સત્તા લઈને બેઠા છો.

સાંસદ : હું સરપંચથી લઇ કોઈ ચૂંટણી હાર્યો નથી

કાર્યકરઃ તમે હાર્યા નથી એટલે પ્રજાને આવા જવાબ આપો છો, હવે તમે હારશો,.તમે તમારા વર્તનથી જે ભાષા બોલો છે તેનાથી તમે હારશો.તમે હાર્યા નથી એટલે તેમાં તમારું યોગદાન નથી.નાનામાં નાના કાર્યકરોએ મહેનત કરીને તમને જીતાડ્યા છે.

સાંસદઃ આપણું નામ?

કાર્યકરઃ મારુ નામ જે પણ હોઈ? હું જે પણ હોવ, તમે મોદીના નામ પણ ચૂંટાયા છો.

સાંસદઃ એમાં કોઈએ ના પાડી?

કાર્યકરઃ અમારે આવો જવાબ સાંભળવાનો?

સાંસદઃ કેવો જવાબ? કેવો જવાબ?

કાર્યકરઃ સાહેબ શરમ આવવી જોઈએ શરમ, ગુજરાતની પ્રજા થૂંકે છે તમારા પર.

મહત્વનું છે કે, આ કથિત ઓડિય ક્લીપ મામલે સાસંદનો પક્ષ જાણવા દિવ્યભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published.