જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી : આ રીતે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાશે.

સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવારની વ્યુહરચનાથી જ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાશે

  • જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી

કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા રાજ્યમાં સૌપ્રથમવાર સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્યો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજી સંવાદ સાધતા જિલ્લા કલેક્ટર

ગ્રામ્ય કક્ષાએ સંક્રમણ નિયંત્રણ માટે સરપંચશ્રીઓની કામગીરીને બિરદાવી વહિવટી તંત્રના પ્રયાસોમાં સહકાર આપવા કલેક્ટરશ્રીની અપીલ

ગ્રામ્ય કક્ષાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પંચાયતી માળખાના આગેવાનોના સહયોગ માટે રાજ્યમાં સૌપ્રથમવાર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ઑડિયો કોન્ફરન્સ યોજવામાં આવી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ અને પ્રાથમિક સારવાર પર ભાર મૂકી વધુમાં વધુ લોકો રસીકરણમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી.

દિન-પ્રતિદિન વધતા જઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ સંક્રમણને નિયંત્રિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ દ્વારા ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સાથે ઑડિયો કોન્ફરન્સ યોજી સંવાદ સાધવામાં આવ્યો.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ જે વિસ્તારોમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધુ છે તેને કન્ટેઈનમેન્ટ કરવામાં આવે. જે ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે તે ગામોમાં સંક્રમણનું પ્રમાણ ઘટવા પામ્યું છે. માટે લોકો અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળે તે જરૂરી છે.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવારની વ્યુહરચનાથી જ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાશે. જિલ્લામાં મહત્તમ ટેસ્ટીંગ થઈ રહ્યું છે પરંતુ તાવ જેવા સામાન્ય લક્ષણો પણ જણાય તો ટેસ્ટની રાહ જોયા વગર આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી મેડિસીન કીટથી પ્રાથમિક સારવાર શરૂ કરવા સાથે પોતાને આઈસોલેટ કરી દેવી જોઈએ. યોગ્ય સમયે પ્રાથમિક સારવાર શરૂ કરવાથી હોસ્પિટલમાં એડમીટ થવાની સંભાવનાઓ ઘટાડી શકાશે.
રસીકરણ માટે અપીલ કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, મહત્તમ લોકો રસીકરણ ઝુંબેશમાં જોડાય તે માટે ગામના સરપંચશ્રી સહિતના આગેવાનોએ ગ્રામજનોમાં જાગૃત કેળવવાની જરૂર છે. સાથે જ વહિવટી તંત્ર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી તેમને પૂરતો સહયોગ આપવો.
પ્રવર્તમાન પરિસ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી સામાજીક પ્રસંગો મુલતવી રાખવા અથવા રાજ્ય સરકારશ્રીની માર્ગદર્શિકાના પાલન સાથે યોજવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગામદીઠ આરોગ્યકર્મીઓ અને અન્ય વિભાગના કર્મચારીશ્રીઓ ઉપરાંત પાંચ ગામદીઠ ઉચ્ચ અધિકારીશ્રીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેમના દ્વારા સઘન સર્વેલન્સની સાથે સાથે મેડિસીન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઑડિયો કોન્ફરન્સના અંતે જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ દ્વારા આપવામાં આવ્યા હતા. સાથે જ સરપંચશ્રીઓએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટેસ્ટીંગ, મેડિકલ કીટનું વિતરણ તથા રસીકરણ સહિતની કામગીરી સંતોષકારક રીતે ચાલી રહી હોવાનું જણાવી કોરોના વાયરસ સામેની લડાઈમાં સંપૂર્ણ યોગદાનની કટીબદ્ઘતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.