કોરોના દર્દીના શરીરમાં થયેલા બ્લડ ક્લોટની તસવીર જાહેર કરાઈ, જાણો શું હોય છે બ્લડ ક્લોટ?

કોરોના વાયરસની બીજી લહેર યુવકો માટે વધારે જોખમી સાબીત થઈ છે. ઘણાં એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં સંક્રમિત લોકોને બ્લડ ક્લોટિંગ અને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યાઓ વધી રહી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં જોવા મળ્યું છે કે, દર્દીઓનું લોહી જાડું થઈ રહ્યું છે. પરિણામે દર્દીના શરીરમાં થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાઈ પ્રેશર વધવું, હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભારતના જાણીતા વેસ્ક્યુલર સર્જન અંબરિશ સાત્વીકે કોરોનાના દર્દીમાંથી કાઢવામાં આવેલા બ્લક ક્લોટની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના દર્દીમાં બ્લડ ક્લોટ કેમ જોખમી છે.

સર્જરી કરી બ્લડ ક્લોટ બહાર કઢાયો
વેસ્ક્યુલર સર્જન અંબરીશ સાત્વીકે જણાવ્યું કે, કોરોનાના કારણે ઘણી વખત દર્દીમાં બ્લડ ક્લોટ થઈ શકે છે. આ બ્લ્ડ ક્લોટના કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અથવા પેરાલિસિસ જેવી સમસ્યાઓ થવાના 2-5 ટકા સુધીના ચાન્સ વધી જાય છે. અમે અહીં એક કોરોના પીડિતની નીચલી ધમનીમાંથી સર્જરી કરીને બ્લડ ક્લોટ બહાર કાઢ્યો છે, અને અમે તે દર્દીનો જીવ બચાવી શક્યા છીએ.

શું હોય છે બ્લડ ક્લોટ?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્લડ ક્લોટના કારણે ઘણાં દર્દીઓને જીવનું જોખમ પણ રહે છે. આ ક્લોટ્સને થ્રોંબોસિસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પણ કોરોના દર્દીના ફેફસામાં સોજો જોવા મળતો હોય છે. પરંતુ આ બ્લડ ક્લોટના કારણે ફેફસાંનો સોજો ગંભીર સ્વરૂપ લે છે.

માઈક્રો-ક્લોટ્સની સમસ્યા
માર્ચમાં જ્યારે કોરોના વાયરસની બીજી લહેર દુનિયામાં ઝડપથી પસાર થઈ તે સમયે ડોક્ટર્સેને હોસ્પિટલમાં દાખલ ઘણાં દર્દીઓમાં બ્લડ ક્લોટની સમસ્યા જોવા મળી હતી. બીજી લહેરના દર્દીઓના રિપોર્ટમાં એક વાત એવી પણ સામે આવી છે તેમના ફેફસાંઓમાં શરૂઆતના સમયમાં નાના બ્લડ ક્લોટ જોવા મળે છે અને સમય જતા તે નસોમાં મોટા બ્લડ ક્લોટનું સ્વરૂપ લે છે. જો આ મોટા બ્લડ ક્લોટ શરીરના ઉપરના ભાગમાં થવાનું શરૂ થાય તો વેઈન બ્લોકેજ થઈ જાય છે અને દર્દીઓને જીવનું જોખમ વધારે રહે છે.

ગંભીર બીમાર દર્દીઓમાંથી 30%ને બ્લડ ક્લોટની સમસ્યા
લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં થોંબ્રોસિસ અને હેમોસ્ટેસિસના પ્રોફેસર રુપેન આર્યા કહે છે કે, જે પ્રમાણે છેલ્લાં અમુક સમયથી આંકડાઓ આવી રહ્યા છે તે જોતા લાગે છે કે, કોરોના દર્દીઓમાં બ્લડ ક્લોટની મુશ્કેલીઓ વધી રહી છે. તેમાં પણ ગંભીર બીમાર દર્દીઓમાં બ્લડ ક્લોટની સમસ્યા વધારે જોવા મળી રહી છે. ખાસ કરીને દર્દીઓના ફેફસામાં બ્લડ ક્લોટ થઈ રહ્યા છે. યુરોપમાં થયેલા એક સર્વે પ્રમાણે જે કોરોનાના ગંભીર બીમાર દર્દીઓ છે તેમાંથી 30 ટકા દર્દીઓને બ્લડ ક્લોટની સમસ્યા રહે છે.

જેના લોહીમાં વધારે ચીકાશ, તેને થઈ શકે છે બ્લડ ક્લોટ
લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં પ્રોફેસર આર્યાની બ્લડ સાયન્સ ટીમે દર્દીઓના સેમ્પલની ચકાસણી કરી છે. તેમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના મ્યુટેશન લોહીમાં ભળીને તેમાં ફેરફાર કરે છે. આ સંજોગોમાં જેના લોહીમાં ચિકાશ વધારે હોય છે તેમને બ્લડ ક્લોટ થવાની શક્યતા વધારે રહે છે. લોહીમાં કોરોના વાયરસનો મ્યુટેશન ભળવાના કારણે તેની ફેફસાં પર ગંભીર અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published.