કોરોનાથી પ્રભાવિત ગામોની જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી.

કલેક્ટરશ્રીએ સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામની પણ મુલાકાત લઈ આગેવાનો સાથે બેઠક કરી

કોરોનાથી પ્રભાવિત એવા પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ અને કુકરાણા ગામ તથા સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામની જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરશ્રીએ ગામમાં સર્વેલન્સની કામગીરી અને સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ ગામમાં આગેવાનોની બેઠકમાં જણાવ્યું હતું કે અત્યારે ગામોમાં સર્વેલન્સની કામગીરી શરૂ છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દીઓને ઓળખીને દવાની કીટ આપવામાં આવી રહી છે. જેનાથી હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ જાય. એમણે જણાવ્યું કે જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો આગામી થોડાક દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવું પડશે.

આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું. કલેક્ટરશ્રીએ કુકરાણા ગામમાં ગ્રામજનો માટે શાળાના પ્રાંગણમાં શરૂ કરાયેલ ઓપીડી તથા રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવી હતી.

કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ ડોર ટુ ડોર સરવેમાં ગામના આગેવાનો સાથે રહી સહકાર આપે એવી અપીલ કરી હતી.

સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામમાં ગ્રામજનો દ્વારા કોરોના સંક્રમણને અટકવવા માટે અપાયેલ સ્વૈચ્છિક લોક્ડાઉનની જિલ્લા કલેક્ટરશ્રીએ સરાહના કરી હતી.કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની આ ગામોની મુલાકાત દરમિયાન મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, સમી પ્રાંત અધિકારીશ્રી અમિત પરમાર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.