કોરોના પ્રતિરોધક રસીની સલામતીનો વિશ્વાસઃ ૬૦,૮૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડ નાગરિકોએ રસી લીધી

મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત માત્ર છ દિવસમાં ૩૨,૬૦૦થી વધુ નાગરિકોએ રસી લઈ રસીકરણ ઝુંબેશમાં આપ્યો સહકાર

એક તરફ કોરોના પ્રતિરોધક રસી અંગે અનેક અફવાઓ અને ભ્રમણાઓ ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લાના ૬૦,૮૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડ નાગરિકોએ રસી લઈ રસી સંપૂર્ણ સલામત હોવાનો સંદેશ આપ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ માર્ચથી ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પુરૂં પાડવા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મૅગા વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. જેને જિલ્લાના નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ આપી વધુને વધુ સંખ્યામાં રસીકરણ કરાવી રહ્યા છે. જે અંતર્ગત તા.૨૫ માર્ચના રોજ ૫,૪૭૩ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે.

તા.૦૧ માર્ચથી શરૂ કરવામાં આવેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના ૬૦,૮૬૫ નાગરિકોએ રસી લીધી છે. કોરોના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોએ મોટી સંખ્યામાં રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણ અંગેની ભ્રામક માન્યતાઓ અને અફવાઓનું ખંડન કરતાં રસીની સુરક્ષા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસોથી રસીકરણ અંગે જન જાગૃતિ કેળવાઈ રહી છે. તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓથી લઈ ગ્રામ્ય અને શહેરી કક્ષાના કર્મચારીશ્રીઓ ઉપરાંત સામાજીક, ધાર્મિક અને રાજકિય આગેવાનોની અપીલના પગલે છેલ્લા છ દિવસમાં ૩૨,૬૦૦થી વધુ નાગરિકો રસી લઈ કોરોના વાયરસને નાબૂદ કરવા કટીબદ્ધ થયા છે.

Leave a Reply

Your email address will not be published.