‘ભુવાજીને બળિયા દેવ આવ્યા અને કહ્યું, બાપજીને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે’

અમદાવાદ (Ahmedabad) એક તરફ દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે બીજીતરફ ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ (Sanand) અને ચાંગોદર (Changodar) વિસ્તારમાંથી બે વીડિયો (Video) સામે આવ્યા છે જેમાં સંખ્યાબંધ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલાઓ ડીજે ના તાલ સાથે માથે કળશ મૂકી મંદિર બળિયાદેવજીના મંદિરમાં  જળાભિષેક કરવા જઇ રહી છે. આ દ્રશ્યોમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જો કોઇપણ વ્યક્તિ ને કોરોના હશે તો કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 3 મે નો હોવાનું સામે આવ્યું છે. જોકે આ સિવાય ગંભીર બાબત એ સામે આવી છે કે નિધરાડ ગામના સરપંચના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ‘ગામના ભુવાજીને બળિયા દેવ આવ્યા હતા અને તેમણે જણાવ્યુ કે તેમને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે’ તેમ છે. આ મામલે તેઓનું એવું પણ કહેવું છે કે છેલ્લા 15 દિવસમાં  30 લોકોનાં મોત થયા છે જેથી ભુવાજીની વાત માની અમે આ ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો.

રાજયમાં કોરોનાના કેસો હવે ગામડાઓમાં વધી રહ્યાં છે. ગામડાઓમાં કોરોનાના દર્દીઓ સારવારના અભાવે મોતને ભેટી રહ્યાં છે. કોરોનાના કેસો ગામડાઓમાં કાબુમાં નથી આવતા. સરકાર કડક નિયંત્રણો લાદવાની વાત કરે છે અને ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો પર પોલીસ કડક નજર રાખવાની વાતોના ધજાગરા ઉડાવતી ઘટના અમદાવાદ જિલ્લામાં બની છે. સાણંદ તાલુકાના કોલટ તથા નિધરાટ ગામે મોટી સંખ્યામાં મહિલાઓ બળિયાદેવના મંદિરે પાણીનો ઘડો ભરીને જતાં હોવાની ઘટના સામે આવી છે.

મોટી સંખ્યામાં મહિલાઓ માથે બેડા લઈને મંદિર પહોંચી
મહિલાઓ માથે ઘડો લઈને જતા હોવાનો કોલટ ગામનો વીડિયો વાઇરલ થયો છે. કોરોનાના પ્રકોપથી બચવા માટે લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે અને તેના ભાગરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વીડિયો વાઇરલ થતા જ ચાંગોદર પોલીસ હરકતમાં આવી હતી અને 23 લોકો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ગામમાં આટલો મોટો ધાર્મિક કાર્યક્રમ યોજાય છે તો તે બાબતે પોલીસને કેમ જાણ ન હતી? ચાંગોદર પોલીસના ધ્યાને આવા ધાર્મિક પ્રસંગમાં લોકો ભેગા થયા ત્યારે જ કેમ પગલાં લઈ રોકવામાં ન આવ્યું?

માસ્ક પહેર્યા વિના લોકો ટોળે વળતા પોલીસીન કાર્યવાહી
ઉજવણીનો વીડિયો વાયરલ થતા ચાંગોદર પોલીસે નવાપુરા ગામમાં જઈ તપાસ કરતા બળિયાદેવના મંદિર પાસે મોટી સંખ્યામાં મહિલા એકઠા થયા હતા અને ડીજે વાગતું હતું. જેને લઈને પોલીસે તપાસ કરતા આયોજકોમાં કૌશિકભાઈ ભીખાભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દશરથભાઈ રાજુભાઈ ઠાકોર, કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર (તમામ રહે. નવાપુરા ગામ તા.સાણંદ)એ ધાર્મિક પ્રસંગનું આયોજન કર્યું હતું. અને ટોળા ભેગા કરી માસ્ક નહીં પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરી અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લગ્ન અને ધાર્મિક પ્રસંગ અંગે જાહેરનામાંનું પાલન નહીં કરી અને મંજરી નહી લીધે તેમજ ધાર્મિક પ્રસંગમાં ભીડ એકત્રિત કરી ડી.જે લઇ આવનાર સંચાલક મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે.નવાપુરા ગામ)ના વિરૂદ્ધ ચાંગોદર પોલીસે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે સરપંચ સહિત 23 લોકોની ધરપકડ કરી
આ વિશે અમદાવાદ ગ્રામિણના ડીવાયએસપી, કે.ટી કામરીઆએ જણાવ્યું હતું કે, ચાંગોદર પોલીસ સ્ટેશનના નવાપુરા અને સાણંદના નિધરાડ બંને ગામમાં ગઈકાલે મહિલાઓ માથે બેડા લઈને બળિયાદેવના મંદિરે ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ બાબતે પોલીસને જેવી જાણ પોલીસે તાત્કાલિક ગામ પર પહોંચીને બંને જગ્યાએ ગુના દાખલ કરીને DJ સહિત 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવાપુરાના સરપંચ સાથે હતા તેમની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ જનતાને અમે અપીલ કરીએ છીએ કે કોરોનાની આવી મહામારીમાં મોટી સંખ્યામાં એકઠા ન થાય અને તંત્ર તથા પોલીસને સહકાર આપે જેથી આપણે કોરોનાને માત આપી શકીએ.

Leave a Reply

Your email address will not be published.