ધારપુર હોસ્પિટલ ખાતે કોવિડના દર્દીઓ માટે નવા ૬૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી.

કોવિડ-૧૯ના દર્દીઓને ઓક્સિજનની સુવિધાયુક્ત સારવાર મળી રહેશે

કોવિડ-૧૯ના દર્દીઓની વધી રહેલ સંખ્યાને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા આવશ્યક સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારે પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ૧૬૦ બેડની વ્યવસ્થા છે. એ સાથે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડમાં ઓક્સિજન અને આઈસીયુ સુવિધા સાથે કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

    જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર ખાતે અત્યારે ઉપલબ્ધ ૧૬૦ બેડ સિવાય વધારના ૬૦ બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ઉભી કરવામાં આવી છે. જ્યાં કોરોનાના દર્દીઓને જરૂરિયાત હોય તો ઓક્સિજન પણ મળી રહેશે. અહિ કોરોનાના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.  ઉલ્લેખનીય બાબત છે કે કોરોના સંક્રમણમાં વધારો થતા અને ગંભીર દર્દીઓની સ્થિતિને ધ્યાને રાખી પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિના વિલંબે તમામ આરોગ્યલક્ષી સેવાઓ નાગરિકોને સમયસર પૂરી પાડવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાટણ જિલ્લામાં વધી રહેલ કોવિડ-૧૯ના કેસને ધ્યાને રાખીને સૌ નાગરિકો તકેદારી રાખે એવી ખાસ અપીલ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ આવશ્યક કારણ વગર બહાર નીકળવું નહિ અને સરકારશ્રીની માર્ગદર્શિકા તથા જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સ્વયંભૂ પાલન કરીને પોતાને તથા પોતાના પરિવારને કોરોના જેવી મહામારીથી બચાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.