આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ કરશે ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત ઉજવણી

આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને સાંકળે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષની ઉજવણીની થીમ પણ માટી સાથે જ સંકળાયેલી છે. ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય સચીવશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક અધિકારીશ્રીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ વર્ષે તા.9 મી ઓગષ્ટથી આખો મહિનો ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે. તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.

આઝાદી કા અમૃત મહોત્સવની આ ક્લોઝીંગ સેરેમની રહેશે. જે અતર્ગત ઉજવણીમાં દરેક ગામોથી લઈને તાલુકા, જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે. આપણે સૌ જાણીએ છીએ એવી રીતે તા. 12 મી જૂલાઈ, 2021 થી આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત ગૌરવની વાત એ છે કે, દેશમાં સૌથી વધુ કાર્યક્રમો ગુજરાતમાં કરવામાં આવ્યા છે. ગત વર્ષે જે રીતે ‘’હર ઘર તિરંગા’’ કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. એવી જ રીતે આ વર્ષે ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેઓને નમન કરી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. પોલીસ,નેવી,આર્મી,વાયુદળ વગેરેના જવાનોને નમન કરવા માટેની આ ઉજવણી છે. ઓગષ્ટ મહિનામાં દરેક ભારતીય માતૃભૂમિનું ઋણ અદા કરશે અને માતૃભૂમિને વંદન કરશે.

‘’મારી માટી,મારો દેશ’’ અંતર્ગત સમગ્ર દેશમાંથી 2.50 લાખથી વધુ ગ્રામ પંચાયતો જોડાશે. જેમાં દરેક કાર્યક્રમોમાં જનભાગીદારી થાય તે ખૂબ જરૂરી છે. તેથી માન.મુખ્ય સચિવશ્રી દ્વારા કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓને સુચન કરવામાં આવ્યું છે. માટીયાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત થી લઈને રાજ્યકક્ષા સુધીના કાર્યક્રમો થશે. ત્યારબાદ રાષ્ટ્રના દરેક તાલુકામાંથી 7,500 માટીના કળશ દિલ્હી જશે. જેમાંથી ગુજરાત માંથી 248 માટીના કળશ જશે.

પાંચ પ્રણ અંતર્ગત થશે ઉજવણી

  1. શિલાફલકમ- બલિદાન આપનાર વીરો માટે શીલાલેખ તૈયાર કરવામાં આવશે. અમૃત સરોવર અથવા જ્યાં અમૃત સરોવર ન હોય ત્યાં સારા જળાશય મુકામે શિલાફલકમ તૈયાર કરવામાં આવશે.
  2. પ્રતિજ્ઞા લેવી – પ્રતિજ્ઞા લેવી અને તેની સાથે સેલ્ફી લેવી. માટીના દિવા સાથે અથવા હાથમાં માટી લઈને સેલ્ફી.
  3. વસુધા વંદન- 75 પ્રકારના રોપાઓનું આરોપણ કરાશે. આ રીતે અમૃત વાટીકા તૈયાર કરાશે.
  4. વીરોને વંદન- પોલીસ જવાનો, શહીદો, તેમજ તેઓના કુટુંબીજનોનું સ્વાગત, સન્માન.
  5. રાષ્ટ્રધ્વજ લહેરાવવો- રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગાન ગાવું.

દેશની દરેક કોલેજ, શાળાઓ, સંસ્થાઓ દરેક જગ્યાએ ‘’મારી માટી,મારો દેશ’’ કેમ્પેઈન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પણ આ જ રીતે ઉજવણી કરાશે. તેથી જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન દ્વારા કામગીરીને સંલગ્ન અધિકારીશ્રીઓને સુચન કરવામાં આવ્યા હતા. આજની વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનની સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment