પાટણ શહેરમાં બાળમજૂરી કરતા બે તરુણોને મુક્ત કરાયા.

પાટણ શહેરમાં બે તરુણ શ્રમયોગીઓને ટાસ્ક ફોર્સ સમિતિની ટીમ દ્વારા રેડ કરી મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓની વિગત એવી છે કે સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તારની એક વાણિજ્યની દુકાનમાંથી તથા એક ગેરેજમાંથી એમ કુલ મળીને બે તરુણો મુક્ત કરાવામાં આવ્યા હતા.

સરકારી શ્રમ અધિકારી અને બાળ તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ હેઠળના નિરીક્ષક પાટણ શહેરમાં બાળ શ્રમ નાબુદીની રેડ કરતાં બે તરુણો બાળમજૂરી કરતાં જોવા મળ્યાં હતાં, જેઓને બાળ મજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સ સમિતિની ટીમ દ્વારા રેડ કરી મુક્ત કરાવ્યા હતા. આ સંસ્થાઓના માલિકોને બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ હેઠળના નિયમો અંગેની સમજ આપવામાં આવી તેમજ તે હેઠળ તપાસનોંધ પાઠવી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં આજે તા: ૨૦/૦૭/૨૦૨૩ ગુરૂવારના સરકારી શ્રમ અધિકારી કુ.એમ.એમ.કથીરીયા સહિત ફોર્સના સભ્યો અને પોલીસ સાથે પાટણ શહેરમાં બાળ તથા તરૂણ શ્રમયોગી નાબૂદી માટે રેડ કરવામાં આવી હતી. જેમાં પાટણ ખાતે એક-એક એમ કુલ બે તરુણ શ્રમયોગીઓ કામ કરતાં નજરે પડયાં હતા. જેની પૂછપરછ કરતા તેઓની ઉંમર અનુક્રમે ૧૭ વર્ષ અને ૧૫ વર્ષ હોવાનું જણાવ્યું હતું, જેથી ફોર્સના સભ્યોએ તેઓના માલિકશ્રીઓની પૂછપરછ કરતા શ્રમયોગીઓના જન્મના પ્રમાણપત્ર આધારે તરુણ શ્રમયોગીઓ હોવાનું માલુમ પડેલ અને ફોર્સ સમિતિની ટીમ દ્વારા આ રેડ કરીને આ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા.

Leave a Comment